રાજકોટ શહેરમાં સ્ટંટબાજોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ ટ્રાફિક નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડતી વધુ એક ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા હોસ્પિટલ ચોક બ્રિજ પર એક યુવક દ્વારા કરવામાં આવેલો અત્યંત જોખમી અને ખતરનાક બાઈક સ્ટંટ કેમેરામાં કેદ થયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને લોકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.


હોસ્પિટલ ચોક બ્રિજ બન્યો સ્ટંટબાજોનો અડ્ડો

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ ચોક પાસે આવેલો ઓવરબ્રિજ હવે આવા નબીરાઓ અને સ્ટંટબાજો માટે જોખમી ખેલ કરવાનું મનપસંદ સ્થળ બની ગયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ચાલુ ટ્રાફિક વચ્ચે એક યુવક પોતાના જીવના જોખમે અને અન્ય વાહનચાલકોની સુરક્ષાને નેવે મૂકીને બાઈક પર જોખમી કરતબો કરી રહ્યો છે. આ પહેલા પણ આ જ બ્રિજ પરથી અનેક વખત આવા બાઈક સવારોના સ્ટંટના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે.

પોલીસની ઢીલી કામગીરી સામે સ્થાનિકોમાં રોષ

આવી ઘટનાઓને કારણે બ્રિજ પરથી પસાર થતા અન્ય નિર્દોષ વાહનચાલકો અકસ્માતનો ભોગ બને તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માગ છે કે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા આવા બ્રિજ પર પેટ્રોલિંગ વધારવામાં આવે અને સીસીટીવી ફૂટેજના આધારે આવા જોખમી સ્ટંટ કરનારા લુખ્ખા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી જેલભેગા કરવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: