રાજકોટ જિલ્લાના જેતપુરમાં આજે એક કરૂણ અને કમકમાટીભરી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જે કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પુરઝડપે જઈ રહેલા એક અજાણ્યા કન્ટેનર ટ્રક ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારતા ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો, જેની સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.


ટ્રકચાલક ટ્રક સાથે ઘટના સ્થળેથી ફરાર 

ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં એક પુરઝડપે જઈ રહેલી ટ્રકે એક એક્ટિવાચાલકને અડફેટે લીધો હતો. ટક્કર માર્યા બાદ ટ્રકચાલક ટ્રક સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જેતપુરના રબારીકા ચોકડી પાસે હાઈવે પરથી અશ્વિનભાઈ ગીનોયા પોતાનું એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા.

ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું

આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા કન્ટેનર ટ્રકના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને એક્ટિવાને હડફેટે લીધું હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે અશ્વિનભાઈ રસ્તા પર ફેંકાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ થવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. રાજકોટ-જેતપુર હાઈવે પર વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ભારે વાહનોની ગતિ પર નિયંત્રણ લાવવાની માંગ ઉઠી છે.

CCTVમાં કેદ થઈ હૃદયદ્રાવક ઘટના

અકસ્માત સર્જાયા બાદ માનવતા દાખવવાને બદલે ટ્રક ચાલક પોતાનું કન્ટેનર લઈને નાસી છૂટ્યો હતો. જોકે, હાઈવે પર લાગેલા CCTV કેમેરામાં આ આખી ઘટના લાઈવ કેદ થઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, કઈ રીતે બેફામ ગતિએ આવતા ટ્રકે એક્ટિવાને કચડી નાખ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

અકસ્માતની જાણ થતા જ જેતપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક અશ્વિનભાઈના મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસે CCTV ફૂટેજના આધારે કન્ટેનર ટ્રકના નંબર મેળવી ફરાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેને ઝડપી લેવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો - Surendranagar News: શિશુ કુંજ શાળમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો, આંખના ભાગે ગંભીર ઈજા


  • Follow us on: