બોગસ કંપનીઓ અને બેન્ક એકાઉન્ટ ખોલી છેતરપિંડીના રૂપિયાની હેરાફેરી કરતા બે આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓએ 54થી વધુ બોગસ કંપનીઓ ખોલી તે એકાઉન્ટ મારફતે કરોડો રૂપિયાની હેરાફેરી કરી હોવાનું સામે આવ્યું છે તો ઘણા રૂપિયા ગેરકાયદેસર રીતે વિદેશ પણ મોકલ્યા હોવાનું સામે આવ્યું છે. મહત્વ મહત્વનું છે કે આરોપીઓ પાસેથી 50 લાખ રોકડા પણ કબજે કરવામાં આવ્યા છે.
99 સ્વાઈપ મશીન, 103 ચેકબુક મળી આવી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા બે આરોપીઓના નામ આકાશ સોની અને મનોજ રામાવત છે. બંને આરોપીઓએ છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજિત 54 જેટલી બોગસ કંપનીઓ ખોલી હતી. જે કંપનીઓના બેન્ક એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાના બોગસ વ્યવહારો થયા હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચે સીજી રોડ પર આવેલી આકાશ સોની એન્ડ કંપની કે જે ચાર્ટર્ડ એકાઉન્ટની ઓફિસ છે. ત્યાં રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસને 12 મોબાઈલ, 26 સીમકાર્ડ, 27 એટીએમ અને ડેબિટ કાર્ડ, અલગ અલગ કંપનીના 83 સિક્કા, 21 રાઉન્ડશીલ, 26 સ્ટેમ્પ, 99 સ્વાઈપ મશીન અને 103 ચેકબુક મળી આવી છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચે 50 લાખ રોકડા પણ કબજે કર્યા છે. જેને લઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આરોપીઓ દરેક ટ્રાન્જેક્શન પર 50 પૈસા કમિશન મેળવતા
ઝડપાયેલ આરોપીની તપાસ કરતાં સામે આવ્યું કે આરોપી આકાશ સોની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને છેલ્લા ત્રણ વર્ષમાં 54 જેટલી કંપનીઓ બનાવી હતી. જે કંપનીઓનું આર.ઓ.સી મળ્યા બાદ કંપનીની ઓફિસો બંધ કરી દેતા હતા અને તે કંપનીના એકાઉન્ટમાં ગેમિંગ અને છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરતા હતા. ઉપરાંત આરોપીઓ મોટી લોનની ઓફર આપી બેન્ક એકાઉન્ટ ખોલાવી તે એકાઉન્ટ પણ ભાડે લેતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ દરેક ટ્રાન્જેક્શન પર 50 પૈસા કમિશન મેળવતા હતા. જેથી આરોપીઓએ કરેલા કરોડો વ્યવહારમાંથી મોટી રકમ કમાયા હોવાનું પણ સામે આવ્યું છે, જે અંગે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.
લાયસન્સ બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી
મહત્વનું છે કે આરોપીઓએ બનાવેલી બોગસ કંપનીઓમાંથી 15 કંપનીઓના બેન્ક એકાઉન્ટ હજી પણ કાર્યરત છે અને તે બેન્ક એકાઉન્ટમાં થયેલા ટ્રાન્જેક્શન અંગે દિલ્હી, ગાઝિયાબાદ, બેંગ્લોર અને મુંબઈ સહિત કુલ 4 ફરિયાદો દાખલ થઈ છે. સાથે જ આરોપીઓ પાસેથી એપીએમસીની અલગ અલગ દુકાનોના પણ બેન્ક એકાઉન્ટ મળ્યા છે. જેથી તેના લાયસન્સ બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે પોલીસ તપાસમાં શું નવી હકીકત સામે આવે છે તે જોવું મહત્વનું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો