રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા નવનિર્મિત સાંઢિયા પુલ પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ બ્રિજના નિર્માણ કાર્યમાં રાખવામાં આવેલી બેદરકારી અને ધીમી ગતિને લઈને ગંભીર નોંધ લેવામાં આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એ પુલના મુખ્ય કોન્ટ્રાક્ટર ચેતન કન્સ્ટ્રક્શન અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ને કામમાં ગંભીર ખામીઓ બદલ કારણદર્શક નોટિસ ફટકારી દેતા સમગ્ર સરકારી કોન્ટ્રાક્ટ આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.
બ્રિજના કામની પ્રગતિ ખૂબ જ ઢીલી
મળતી માહિતી મુજબ, લાંબા સમયથી ચાલી રહેલા આ બ્રિજના કામની પ્રગતિ ખૂબ જ ઢીલી રહી છે, જેના કારણે સ્થાનિક વાહનચાલકો અને રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા આકસ્મિક નિરીક્ષણ દરમિયાન સામે આવ્યું કે બ્રિજનું ફિનિશિંગ વર્ક અત્યંત નબળી ગુણવત્તાનું છે. કામની ઝડપ અને ક્વોલિટીના સ્ટાન્ડર્ડ પર સવાલો ઊભા થતાં કમિશનરે તાત્કાલિક અસરથી આ આકરી વહીવટી કાર્યવાહી કરી છે. પ્રોજેક્ટની સમગ્ર કામગીરી પર હવે સુપરવાઇઝરી ટીમ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે.













