રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર જેતપુર નજીક આવેલી પેઢલા ચોકડી પાસે એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો છે. સોશિયલ મીડિયાના ક્રેઝ અને પૂરપાટ ઝડપે વાહન ચલાવવાની લત એક આશાસ્પદ યુવાનનો જીવ લઈ લેતી ઘટના સામે આવી છે. 150 કિમી પ્રતિ કલાકની ભયાનક ઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી ખાઈને નજીકના ફાર્મ હાઉસની દીવાલમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર ત્રણ યુવાનો પૈકી 20 વર્ષીય અવધ અરવિંદભાઈ તિવારીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.


પૂરઝડપે આવતી કાર ડિવાઇડર સાથે અથડાઇ

જ્યારે કારમાં સવાર અન્ય બે મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તો પૈકી એકને જેતપુરની સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં અને બીજા યુવાનની હાલત વધુ નાજુક હોવાથી તેને તાત્કાલિક જૂનાગઢ રિફર કરવામાં આવ્યો છે. અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ ઘટનામાં સૌથી ચોંકાવનારો વળાંક એ છે કે, અકસ્માત પૂર્વે આ યુવાનોએ પોતાની કાર પૂરપાટ ઝડપે ચલાવતી હોય તેવો વીડિયો શૂટ કર્યો હતો. આ વીડિયો તેમણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ અપલોડ કર્યો હતો, જેમાં ગાડીની સ્પીડ 150ની આસપાસ દેખાઈ રહી હતી.

પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી

કદાચ એ જ વીડિયો ઉતારવાની લ્હાયમાં ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને કાર ડિવાઈડર કૂદીને ફાર્મ હાઉસની દીવાલ સાથે અથડાઈ હતી. ઘટનાની જાણ થતાં જ જેતપુર ઉદ્યોગનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી, વાયરલ થયેલા વીડિયો અને અન્ય ટેકનિકલ પાસાઓને આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતે ફરી એકવાર યુવા પેઢીમાં વધી રહેલા સ્પીડ અને સોશિયલ મીડિયાના જોખમી ક્રેઝ સામે લાલબત્તી ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: