સ્માર્ટ સિટી રાજકોટને દબાણમુક્ત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા (RMC) એ કમર કસી છે. રાજકોટ મનપાની દબાણ હટાવ શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક રેડ કરીને મંજૂરી વગર ખડકાયેલા ગેરકાયદે દબાણો અને જાહેરાતના બોર્ડ-બેનરો દૂર કરવાની મોટી કામગીરી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન તંત્ર દ્વારા લાખો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.


વિવિધ વિસ્તારોમાં તવાઈ

રાજકોટ મનપાની ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો એવા રૈયા રોડ, પુષ્કરધામ મેઈન રોડ અને સંત કબીર રોડ પર ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ વિસ્તારોમાં ફૂટપાથ અને જાહેર માર્ગો પર આડેધડ ખડકાયેલા દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી, જેને પગલે દબાણ શાખાએ જેસીબી અને ટ્રેક્ટરો સાથે મળીને આ દબાણો જમીનદોસ્ત કર્યા હતા.

968 ગેરકાયદે બોર્ડ-બેનરો જપ્ત

રાજકોટ શહેરની સુંદરતા બગાડતા અને મંજૂરી વગર લગાડવામાં આવેલા 968 જેટલા હોર્ડિંગ્સ, બોર્ડ અને બેનરોને પણ રાજકોટ મનપા દ્વારા દૂર કરવામાં આવ્યા છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, મંજૂરી વગર કોઈપણ પ્રકારની જાહેરાત કે દબાણ ચલાવી લેવામાં આવશે નહીં.

રૂપિયા 3.57 લાખનો દંડ વસૂલાયો

આ કડક કાર્યવાહી દરમિયાન રાજકોટ મનપાએ દબાણકર્તાઓ પાસેથી કુલ 3.57 લાખ રૂપિયાનો વહીવટી ચાર્જ અને દંડ વસૂલ કર્યો છે. રાજકોટ મનપાની આ આક્રમક કામગીરીથી ગેરકાયદે દબાણ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આવનારા દિવસોમાં પણ રાજકોટ શહેરના અન્ય વિસ્તારોમાં આ રીતે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે તેમ વિભાગીય અધિકારીએ જણાવ્યું હતું.


આ પણ વાંચો - Rajkot News: બેફામ સ્પીડે જતી કાર બ્રિજની દિવાલ સાથે અથડાઈ, લોખંડની ગ્રીલને કારણે પરિવારનો જીવ બચ્યો


  • Follow us on: