રાજકોટ જિલ્લાના જસદણ એસટી બસ સ્ટેન્ડ પર આજે મુસાફરો અને અન્ય લોકો માટે ભારે મનોરંજન અને આશ્ચર્યના દ્રશ્યો સર્જાયા હતા. એસટી બસમાં સીટ રોકવાની વર્ષો જૂની 'રૂમાલ પદ્ધતિ'ને કારણે એક મહિલા અને અન્ય મુસાફર વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં મહિલાએ રણચંડી બની ભારે હોબાળો મચાવ્યો હતો. એક એસટી બસ પ્લેટફોર્મ પર આવી ત્યારે ભીડથી બચવા માટે એક મહિલાએ બારીમાંથી પોતાની સીટ રોકવા માટે રૂમાલ મૂકી દીધો હતો.
મહિલાએ બસમાં જગ્યા માટે રુમાલ મૂક્યો હતો
જોકે, બસમાં ચઢેલા અન્ય એક મુસાફરે તે રૂમાલ બાજુ પર ખસેડી તે સીટ પર કબજો જમાવી દીધો હતો. જ્યારે મહિલા બસની અંદર પહોંચી ત્યારે પોતાની અનામત રાખેલી સીટ પર અન્યને બેઠેલા જોઈ તેનો પિત્તો ગયો હતો. મહિલાએ સીટ ખાલી કરાવવા માટે જોરજોરથી બૂમો પાડવાનું અને બોલાચાલી કરવાનું શરૂ કર્યું હતું. બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળે મહિલાનું આવું ઉગ્ર રૂપ જોઈને લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.













