રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ગોંડલ તાલુકાના ગોમટા ચોકડી પાસે આવેલી 'કોરોવા મિલ્ક પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપનીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી રાજકોટ રેન્જ આઈ.જી. અને જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ હાથ ધરવામાં આવી હતી, જેમાં નકલી કે શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો મળી આવતા પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
કુલ રૂ.1.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
દરોડા દરમિયાન SOG અને ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગની સંયુક્ત ટીમે સ્થળ પરથી આશરે રૂ.1.59 લાખની કિંમતનો મુદ્દામાલ સીલ કર્યો છે. જેમાં 150 લિટર શંકાસ્પદ છુટું (લુઝ) ઘી અને 'પ્રસંગ દેશી ગાયનું ઘી' ના નામે વેચાતા પેકિંગનો સમાવેશ થાય છે. તપાસનીશ ટીમે ડેરી સંચાલક મુકેશભાઈ જમનભાઈ બાલધાની કડક પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘીમાં વનસ્પતિ તેલ કે અન્ય જોખમી પદાર્થોની ભેળસેળ હોવાની શંકા સેવાઈ રહી છે, જેના કારણે સુરક્ષાના ભાગરૂપે તમામ જથ્થો કબ્જે લેવામાં આવ્યો છે.













