રાજકોટમાં આવતીકાલે 7 ડિસેમ્બર રવિવારના રોજ ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ 'સૂર્યકિરણ' એરોબેટિક ટીમ દ્વારા ભવ્ય એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પહેલા આજે અટલ સરોવર ખાતે ફાઇનલ રિહર્સલ યોજવામાં આવ્યું હતું. જેના દિલધડક દૃશ્યોએ નગરજનોમાં રોમાંચનો માહોલ સર્જી દીધો છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આયોજિત આ એર શોમાં સૂર્યકિરણ ટીમના 9 હોક વિમાનો રાજકોટના આકાશમાં પહોંચી જશે.
સૂર્યકિરણ ટીમના 9 હોક વિમાનથી પ્રેક્ટિસ
પાયલટ્સ દ્વારા અહીં 40 મિનિટ સુધી અદ્ભુત અને દિલધડક કરતબો રજૂ કરવામાં આવશે. દર્શકો ડાયમંડ ફોર્મેશન, તેજસ વિમાનની આકૃતિ, લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ અને ઇન્વર્ટેડ ફોર્મેશન ડીએનએ જેવા અદ્ભુત સ્ટંટ્સ જોઈ શકશે. પાયલટ્સ 5 મીટરથી ઓછા અંતરે વિમાનો ઉડાડીને પોતાની ચોકસાઈ અને ટીમ સ્પિરિટનું જીવંત પ્રદર્શન કરશે. આ વિમાનો આકાશને તિરંગાના રંગોથી રંગીન બનાવીને યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરિત કરશે. આ ભવ્ય એર શો આવતીકાલે 7 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગ્યે અટલ સરોવર ખાતે યોજાશે.













