રાજકોટની કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાનો એક સનસનાટીભર્યો ઈમેઈલ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. આ ધમકીભર્યા ઈમેઈલમાં આંતરરાષ્ટ્રીય કાવતરા અને ગંભીર વિસ્ફોટકોનો ઉલ્લેખ કરવામાં આવતા સમગ્ર શહેરમાં ચર્ચા જાગી છે. ઈમેઈલમાં ચોંકાવનારા દાવા ધમકી આપનાર વ્યક્તિએ ઈમેઈલમાં દાવો કર્યો છે કે તે તમિલનાડુનો પૂર્વ પોલીસકર્મી છે અને તેણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે મળીને આ કાવતરું ઘડ્યું છે.
તામિલનાડુના પૂર્વ પોલીસે મોકલ્યો ધમકીભર્યો ઈમેઈલ
ઈમેઈલમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમિલનાડુ પોલીસમાં તેની સાથે અન્યાય થયો છે, જેના વિરોધમાં તેણે કોર્ટ બિલ્ડિંગમાં RDX મુક્યું છે અને તેને ઉડાવી દેશે. પોલીસનું મેગા સર્ચ ઓપરેશન ધમકી મળતાની સાથે જ રાજકોટ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડનો કાફલો કોર્ટ પરિસરમાં દોડી ગયો હતો. સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવીને ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી. જોકે, કલાકોની જહેમત બાદ પોલીસ તપાસમાં કોઈ પણ શંકાસ્પદ કે વાંધાજનક ચીજવસ્તુ મળી આવી નથી, જેનાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.













