રેલવે સ્ટેશનો પર મુસાફરોની ઉતાવળ ક્યારેક જીવલેણ સાબિત થતી હોય છે, પરંતુ જો સમયસર કોઈ મદદ મળી જાય તો મોટી હોનારત ટળી શકે છે. આવી જ એક ઘટના પોરબંદર-રાજકોટ પેસેન્જર ટ્રેનમાં બની હતી. રાણાવાવ સ્ટેશન પર ફરજ બજાવતા ડેપ્યુટી એસએસ કપિલ વર્માની સતર્કતાને કારણે એક માસૂમ બાળકનો જીવ બચ્યો છે.
ચાલુ ટ્રેને ઉતરવાનો પ્રયાસ ભારે પડ્યો
ઘટનાની મળતી માહિતી અનુસાર, ટ્રેન નંબર 59562 પોરબંદર-રાજકોટ પેસેન્જર જ્યારે રાણાવાવ સ્ટેશને પહોંચી, ત્યારે એક બાળક તેની માતા સાથે ટ્રેન ઉભી રહે તે પહેલાં જ ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બાળકનો પગ લપસ્યો હતો અને તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની ખાલી જગ્યામાં ગરકાવ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. બાળકની ચીખ સાંભળી પ્લેટફોર્મ પર હાજર લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા.













