ભારતને સેમિ કન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાણંદ ખાતે માઇક્રોન સેમિ કન્ડક્ટર ATMP (Assembly, Test, Marking, and Packaging) સુવિધાનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ પ્લાન્ટ સાથે ભારત હવે વિશ્વના એવા ગણ્યાગાંઠ્યા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જે પોતાની ચિપનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.
પ્લાન્ટની મુખ્ય વિશેષતાઓ
આ પ્લાન્ટ અંદાજે રૂ.22,576 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ ભારતનો પ્રથમ એવો પ્લાન્ટ છે જે દેશમાં જ સેમિ કન્ડક્ટર ચીપનું નિર્માણ, ટેસ્ટિંગ અને પેકેજિંગ કરશે. આ પ્રોજેક્ટ દ્વારા લાખો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની તકો પ્રાપ્ત થશે. આ પ્લાન્ટના ઉદ્ઘાટન સાથે જ સાણંદ વૈશ્વિક ટેકનોલોજી નકશા પર એક મજબૂત મેન્યુફેક્ચરિંગ સેન્ટર તરીકે પ્રસ્થાપિત થયું છે.
વડાપ્રધાને કર્યું નિરીક્ષણ
ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદીએ પ્લાન્ટની ઉત્પાદન પ્રક્રિયાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો સાથે વાતચીત કરી આ અત્યાધુનિક ટેકનોલોજીની કામગીરી વિશે માહિતી મેળવી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આઈટી મંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શા માટે આ સિદ્ધિ ઐતિહાસિક છે?
અત્યાર સુધી ભારત ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ માટે ઉપયોગમાં લેવાતી સેમિ કન્ડક્ટર ચીપ માટે ચીન, તાઈવાન અને અમેરિકા જેવા દેશો પર નિર્ભર હતું. આ પ્લાન્ટ શરૂ થવાથી ઈલેક્ટ્રોનિક્સ સાધનોની આયાત પરની નિર્ભરતા ઘટશે, સ્માર્ટફોન, લેપટોપ અને ઓટોમોબાઈલ સેક્ટરમાં ચીપની અછત દૂર થશે અને ભારત હવે 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ વિશ્વને ચીપ નિકાસ કરવા સક્ષમ બનશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો