સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામમાં આવેલા આંબેડકર નગર વિસ્તારમાં તસ્કરોએ એક શ્રમિક પરિવારને નિશાન બનાવી લાખોની મતાની ચોરી કરી છે. ભરચક વસ્તી ધરાવતા વિસ્તારમાં રાત્રિના સમયે બંધ રૂમની બારી તોડીને તસ્કરોએ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.


બારીની જાળી કાપી રૂમમાં પ્રવેશ્યા નિશાચરો

સાયલામાં ખેત મજૂરી કરતા વિનુભાઈ હમીરભાઈ અધારાના મકાનમાં નિશાચરોએ ઘરના પાછળના વરંડાની બારીની જાળી કાપી નાખી હતી અને રૂમમાં પ્રવેશ્યા હતા. તસ્કરોએ ઘરમાં રાખેલા 7 થી 8 તોલા સોનાના ઘરેણાં તેમજ ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

દીકરીના લગ્ન માટે ઘરેણાં બનાવ્યા હતા

ભોગ બનનાર વિનુભાઈના જણાવ્યા અનુસાર, તેમણે થોડા સમય પહેલા જ પોતાનું ખેતર વેચ્યું હતું. ખેતર વેચતા જે રકમ આવી હતી, તેમાંથી તેમણે પોતાની નાની દીકરીના લગ્ન માટે સોનાના ઘરેણાં બનાવડાવ્યા હતા. શ્રમિક પરિવારે વર્ષોની મહેનત અને ખેતર વેચીને ભેગી કરેલી મરણમૂડી એક જ રાતમાં લૂંટાઈ જતા પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

કોઈ જાણભેદુ હોવાની આશંકા

ચોરીની જાણ થતા જ સાયલા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. જે પ્રકારે બારીની જાળી કાપીને સીધા દાગીના વાળા રૂમમાં જ પ્રવેશ કરવામાં આવ્યો છે, તેના પરથી આ ઘટનામાં કોઈ 'નજીકનો જાણભેદુ' સંડોવાયેલો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. હાલ પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરવા અને શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરી છે.


આ પણ વાંચો---     Local Body Elections 2026 : ચૂંટણી જંગમાં AI ની એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસના સોશિયલ મીડિયા વોર-રૂમ હવે થયા હાઈટેક, જાણો ડિજિટલ માયાજાળ

  • Follow us on: