પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ડિંડરોલ ગામે એક અત્યંત કરૂણ અકસ્માતની ઘટના સામે આવી છે. ડિંડરોલથી મામવાડા જવાના રસ્તા પર એક નાની બાળકી ઉતાવળે રોડ ક્રોસ કરવા જતી હતી, તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા એક જીપ ડાલાએ તેને અડફેટે લીધી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જે જોઈને કોઈપણનું કાળજું કંપી ઉઠે તેમ છે.
બાળકીની હાલત ગંભીર
CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, બાળકી રસ્તાની એક તરફથી બીજી તરફ દોડીને જઈ રહી હતી, ત્યારે જ સામેથી આવતા ડાલા સાથે તે અથડાઈ હતી. આ અકસ્માતમાં બાળકીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલમાં બાળકી મહેસાણાની એક ખાનગી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.













