વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના તાજેતરના ગુજરાત પ્રવાસ દરમિયાન સમગ્ર રાજ્યમાં ભક્તિ અને જ્ઞાનનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. વાસદ, સુરત અને અમદાવાદમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હજારો સાધકો અને યુવાનોએ ગુરુદેવના સાનિધ્યમાં શાંતિ અને આનંદનો અનુભવ કર્યો હતો.


વાસદમાં આધ્યાત્મિક એકતાના દર્શન

વાસદ આશ્રમ ખાતે ગુરુદેવે સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંતો સાથે મુલાકાત કરી હતી, જે આધ્યાત્મિક એકતાનું પ્રતીક બની રહી હતી. અહીં 5,000થી વધુ ભક્તો અને સેંકડો યુવાનો સાથે સંવાદ કરતા ગુરુદેવે જણાવ્યું કે, જીવન દોડ નથી... જ્યારે મનમાં શાંતિ અને ધીરજ હોય, ત્યારે વસ્તુઓ સ્વાભાવિક રીતે પ્રસ્ફૂટિત થાય છે. આ કાર્યક્રમમાં અમેરિકા અને મેક્સિકો જેવા દેશોના આંતરરાષ્ટ્રીય સાધકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

‘સોકિંગ ઇન બ્લિસ’: અમદાવાદ-સુરતમાં 12,000થી વધુની હાજરી

સુરત અને અમદાવાદમાં આયોજિત વિશેષ કાર્યક્રમ ‘સોકિંગ ઇન બ્લિસ’ (Soaking in Bliss) માં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. 12,000 થી વધુ લોકોએ સંગીત, સત્સંગ અને ધ્યાન દ્વારા હળવાશનો અનુભવ કર્યો હતો. ગુરુદેવે હળવી શૈલીમાં જીવનનું દર્શન સમજાવતા કહ્યું કે, "ભગવાન કૃષ્ણ પર સમગ્ર વિશ્વની જવાબદારી હોવા છતાં તેઓ મોરપીછ જેટલા હળવા રહી શકે છે, તો આપણે કેમ નહીં? જાણો કે કોઈ દિવ્ય શક્તિ તમને હંમેશા સહારો આપી રહી છે."


હાસ્ય અને સકારાત્મકતાનો સંદેશ

ગુરુદેવે વિવિધતામાં એકતાનો મહિમા ગાતા જણાવ્યું કે ઈશ્વરે આ રંગબેરંગી વિશ્વ આનંદ માટે રચ્યું છે. તેમણે યુવાનોને પ્રેરણા આપતા કહ્યું કે જો કોઈ અપશબ્દ કહે, તો સામે સ્મિત આપો; જ્યાં હાસ્ય છે ત્યાં નકારાત્મકતા આપોઆપ ઓગળી જાય છે. પડકારો જ માનવીની સાચી શક્તિ ઉજાગર કરે છે તે વાત પર ભાર મૂકતા તેમણે રામ અને રાવણનું સચોટ ઉદાહરણ આપ્યું હતું. આ યાદગાર પ્રવાસથી ગુજરાતના હજારો લોકોના જીવનમાં નવી આશા અને શાંતિનો સંચાર થયો છે.


આ પણ વાંચો - Surat News: પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, પોલીસનો કાફલો ઘટના સ્થળે


  • Follow us on: