સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલી પ્રતિષ્ઠિત 'બારડોલી એજ્યુકેશન સોસાયટી' સંચાલિત શાળામાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સંચાલકો વચ્ચે સત્તા મેળવવા માટે ચાલી રહેલી ખેંચતાણ હવે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે મુસીબત બની છે. છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન મળતા આજે શાળાના 136 જેટલા શિક્ષકો આક્રોશ સાથે શાળાના મુખ્ય ગેટ પાસે જ ધરણા પર બેસી ગયા છે.
સત્તાની લડાઈમાં પગાર અટક્યો
ઘટનાની મળતી માહિતી અનુસાર, બારડોલી એજ્યુકેશન સોસાયટીના સંચાલકોમાં બે જૂથો વચ્ચે લાંબા સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. આ વિવાદમાં એક જૂથ દ્વારા બેંક ખાતામાં નાણાકીય લેવડ-દેવડ પર રોક લગાવી દેવામાં આવી છે. પરિણામે, શાળાનો વહીવટ ખોરવાયો છે અને શિક્ષકોને છેલ્લા ત્રણ માસથી મહેનતાણું ચૂકવવામાં આવ્યું નથી. વારંવારની રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે શિક્ષકોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.













