સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ગરમાવા વચ્ચે કતારગામ વિસ્તારમાં ભાજપ માટે મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. કતારગામ વોર્ડ નંબર 7 માં આવેલા શંકરનગર વિસ્તારમાં ભાજપના ઉમેદવાર રઘુ ખૂંટ સામે સ્થાનિક રહીશોએ મોરચો માંડ્યો છે. એક પછી એક સોસાયટીના લોકો રઘુ ખૂંટના વિરોધમાં ઉતરી આવતા ભાજપના પ્રચાર અભિયાનમાં મોટું વિઘ્ન આવ્યું છે.


હપ્તાખોરીના ગંભીર આક્ષેપો અને હોસ્પિટલ વિવાદ

નોંધનીય છે કે, ગઈકાલે જ સમજુબા હોસ્પિટલ માં હપ્તા લેવાના ગંભીર આક્ષેપો રઘુ ખૂંટ પર કરવામાં આવ્યા હતા. આ હપ્તાખોરીના મામલે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ભ્રષ્ટાચાર અને જોહુકમીના આક્ષેપો બાદ સ્થાનિકોએ રઘુ ખૂંટને પોતાના વિસ્તારમાં સ્વીકારવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ આક્ષેપોએ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાડી છે.

વધુ એક સોસાયટીએ "નો એન્ટ્રી" ના બોર્ડ લગાવ્યા

શંકરનગર બાદ આજે કતારગામની બીજી એક સોસાયટીના રહીશોએ પણ એકજૂથ થઈને રઘુ ખૂંટનો વિરોધ કર્યો છે. સોસાયટીના લોકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ભાજપના ઉમેદવાર રઘુ ખૂંટને સોસાયટીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. સતત બીજા દિવસે થયેલા આ વિરોધને પગલે ભાજપ સંગઠનમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક લોકોનો આક્રોશ એ વાતનો સંકેત આપી રહ્યો છે કે ઉમેદવારની પસંદગી મામલે પ્રજામાં ભારે અસંતોષ છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ હાઈકમાન્ડ આ જનરોષને શાંત પાડવા શું પગલાં લે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: