આગામી 26 ફેબ્રુઆરી, 2026થી સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વર્ષે પણ સુરત જિલ્લો રાજ્યમાં સૌથી વધુ પરીક્ષાર્થીઓ નોંધાવનારો જિલ્લો બન્યો છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ભગીરથસિંહ પરમારના જણાવ્યા અનુસાર, પરીક્ષાના સુચારૂ સંચાલન માટે તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.


સુરતના આંકડાકીય વિગતો

સુરત જિલ્લામાં આ વર્ષે કુલ 1,61,020 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે, જેના માટે 5653 બ્લોક્સ તૈયાર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરવામાં આવે, તો ધોરણ 10માં 92,228 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)માં 51,600 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ)માં 17,140 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે તૈયાર છે.

ચુસ્ત સુરક્ષા અને CCTV સર્વેલન્સ

પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડોને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓની વિશેષ નિમણૂક કરવામાં આવી છે, જેઓ પરીક્ષા સમયે કેન્દ્ર પર હાજર રહી પારદર્શિતા જાળવશે.

કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક અને વિશેષ સુવિધા

સુરત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ગત 2 ફેબ્રુઆરીના રોજ મળેલી સમિતિની બેઠકમાં તમામ વિભાગોને સંકલન કરવા સૂચના આ છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન પણ કરવામાં આવશે. સુરત DEO એ ખાતરી આપી છે કે, વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની અગવડતા ન પડે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે.

સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ શું કહ્યું?

સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે, 26 ફેબ્રુઆરી, 2026થી બોર્ડની પરીક્ષાની શરૂઆત થવા જઈ રહી છે. આ માટે સુરત જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. સુરત કલેક્ટર આ સમિતિના અધ્યક્ષ છે. તેમની અધ્યક્ષતામાં 2 ફેબ્રુઆરીના રોજ મિંટિગ યોજાઈ હતી. તમામ વિભાગોને જરૂરી સુચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને કોઈ જાતની અગવડ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.


આ પણ વાંચો - Surat : નામચીન ચિરાગ ગોટીનો આતંક, પોતાની જ કંપનીના ડ્રાઇવરને ઢોર માર માર્યો, લાયસન્સ વગર પિસ્તોલ લઇને ફરતો હોવાનો આરોપ


  • Follow us on: