સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જેલમાંથી પેરોલ રજા પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયેલા એક આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. 87 લાખ રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં સજા કાપી રહેલો આરોપી જેલમાં પરત હાજર થવાને બદલે પોલીસને થાપ આપી ભાગી છૂટ્યો હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની બાજ નજરે તેના ભાગવાના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.
શું હતી સમગ્ર ઘટના?
ઘટનાની મળતી માહિતી અનુસાર, આરોપી પ્રતિક ભાવસીંગ હડીયલ વિરૂદ્ધ 87 લાખ રૂપિયાના ચેક બાઉન્સનો કેસ ચાલતો હતો. આ મામલે સુરત સેશન્સ કોર્ટે તેને દોષિત ઠેરવી એક વર્ષની જેલની સજા ફટકારી હતી. આરોપી સુરતની લાજપોર જેલમાં પોતાની સજા કાપી રહ્યો હતો.
પેરોલ રજાનો લીધો ખોટો ફાયદો
પ્રતિક હડીયલ તાજેતરમાં જેલમાંથી 14 દિવસની પેરોલ રજા પર બહાર આવ્યો હતો. પેરોલની મુદત પૂરી થતા તેણે લાજપોર જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો. જેલ સત્તાવાળાઓ દ્વારા તેને 'પેરોલ જમ્પ' જાહેર કરી પોલીસને જાણ કરવામાં આવી હતી.
ક્રાઇમ બ્રાન્ચે ફરી જેલ ભેગો કર્યો
સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીનો પીછો કરી રહી હતી. ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે પ્રતિક હડીયલને ઝડપી લીધો છે. હાલ પોલીસે આરોપીનો કબજો મેળવી તેને ફરીથી લાજપોર જેલના સળિયા પાછળ ધકેલી દેવાની તજવીજ હાથ ધરી છે. આ કાર્યવાહીથી ગુનેગારોમાં સ્પષ્ટ સંદેશ ગયો છે કે કાયદાના હાથ લાંબા છે.
આ પણ વાંચો - Ahmedabad : હીટવેવની આગાહી વચ્ચે ડીઈઓ દ્વારા શાળાઓને કડક આદેશ, પરીક્ષાર્થીઓને તડકામાં ઉભા ન રાખવા