સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પરબ ગામમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ ક્લીનર બનાવતું રેકેટ ઝડપાયું છે. સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે કાર્યવાહી કરીને આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિનો ભંડાફોડ કર્યો છે.
કોસ્મેટિક પ્રોડક્ટના વ્યવસાયની આડમાં ડુપ્લીકેટ ક્લીનર
પોલીસે કામરેજ વિસ્તારમાં આવેલા ઓમ ટેક્સટાઇલ પાર્ક-3માં રેડ કરીને આ રેકેટ પકડી પાડ્યું હતું. તપાસ દરમિયાન બહાર આવ્યું કે “માપા ફેશન” નામની આડમાં કોસ્મેટિક પ્રોડક્ટના વ્યવસાયની આડમાં ડુપ્લીકેટ ક્લીનર બનાવવાનું કામ ચાલતું હતું.
બ્રાન્ડ લિઝોલના નામે નકલી ક્લીનર તૈયાર કરવામાં આવતું
માહિતી મુજબ અહીં જાણીતી બ્રાન્ડ લિઝોલના નામે નકલી ક્લીનર તૈયાર કરવામાં આવતું હતું. બનાવટી ક્લીનરને પ્લાસ્ટિકના પાંચ લીટરના કેનમાં પેક કરીને તેના પર બ્રાન્ડેડ કંપનીના લેબલ લગાવવામાં આવતા હતા. બાદમાં આ નકલી પ્રોડક્ટને બજારમાં અસલી પ્રોડક્ટ તરીકે ઊંચી કિંમતે વેચવામાં આવતું હતું.
10.72 લાખનો મુદ્દામાલ કબ્જે
પોલીસે સ્થળ પરથી બનાવટી ક્લીનરનો જથ્થો તેમજ અન્ય સામગ્રી મળી કુલ અંદાજે રૂપિયા 10.72 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. માપા ફેશનના માલીક સુરત ના મોનિલ સંજય ધોડીયાને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.
માપા ફેશનના માલિક સુરતના મોનિલ સંજય ધોડીયાને ઝડપી પાડ્યો
આ કેસમાં પોલીસે “માપા ફેશન”ના માલિક સુરતના મોનિલ સંજય ધોડીયાને ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમજ આ રેકેટમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.
ગ્રાહકોને ઠગવાનો આ પ્રયાસ
પોલીસના જણાવ્યા મુજબ નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ બનાવી ગ્રાહકોને ઠગવાનો આ પ્રયાસ હતો. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો---- Vav Tharad : રાછેણા ગામના 2 પરિવારની અનોખી સમસ્યા, ફિંગરપ્રિન્ટ ન આવતા સરકારી યોજનાઓના લાભથી વંચિત