સુરત શહેરના પોશ ગણાતા સીટી લાઈટ વિસ્તારમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા ભયનો માહોલ સર્જાયો હતો. સીટી લાઈટમાં આવેલી જાણીતી રુધતાં બિલ્ડિંગમાં આ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગની લપેટોએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.


બે બિલ્ડિંગો આગની ઝપેટમાં

ઘટનાની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, આગ એટલી ભીષણ હતી કે, તેણે બે બિલ્ડિંગોને પોતાની ઝપેટમાં લીધી હતી. બિલ્ડિંગમાંથી ધુમાડાના કાળા ગોટેગોટા બહાર આવતા જોઈ લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ગાડીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

10 લોકોનું દિલધડક રેસ્ક્યૂ

આગ લાગી ત્યારે રુધતાં બિલ્ડિંગમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા હતી. ફાયર ફાઈટરોએ તાત્કાલિક કામગીરી શરૂ કરી બિલ્ડિંગમાં ફસાયેલા આશરે 10 જેટલા લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

આગ બુઝાવવાની કામગીરી ચાલુ

ફાયર વિભાગ દ્વારા રુધતાં બિલ્ડિંગની ચારેય તરફથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલમાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે તૈનાત છે અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.


આ પણ વાંચો - Surat News: બોર્ડની પરીક્ષા અંગે સુરત પોલીસનું જાહેરનામું


  • Follow us on: