ડાયમંડ સિટી સુરતના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં આજે આગની એક મોટી ઘટના બની છે. એલપી સવાણી રોડ પર આવેલી એકતાનગર સેવા બસ્તી (ઝૂંપડપટ્ટી) માં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સૂકા લાકડા અને પ્લાસ્ટિકના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ફાયર ફાઈટર્સની ત્વરિત કામગીરી
આગની જાણ થતા જ સુરત ફાયર વિભાગ હરકતમાં આવ્યું હતું. અડાજણ, પાલનપુર અને મોરા ભાગળ ફાયર સ્ટેશનથી તાત્કાલિક 6 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ ચારેય તરફથી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી.













