દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલા બાલવાસ હોટેલની સામે એક ચાલુ ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બેટરી બ્લાસ્ટ અને આગનું તાંડવ
ઘટનાની મળતી વિગતો અનુસાર, આ ટેન્કર નેશનલ હાઇવે 48 પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક કેબિનના ભાગે બેટરી બ્લાસ્ટ થવાને કારણે બેટરી ફાટી હતી. બેટરી બ્લાસ્ટ થતા જ કેબિનમાં જોતજોતામાં આગની જ્વાળાઓ ઉઠવા લાગી હતી. ટેન્કર ડીઝલથી ભરેલું હોવાને કારણે જો આગ પાછળના હિસ્સા સુધી પ્રસરી હોત, તો હાઇવે પર ભયાનક બ્લાસ્ટ થવાની અને મોટી જાનહાની થવાની પૂરેપૂરી શક્યતા હતી.
પ્લાયવુડ કંપની દેવદૂત બની
આગ લાગતા જ ટેન્કર ચાલકે સમયસૂચકતા વાપરી ટેન્કરને બાજુ પર ઉભું રાખી દીધું હતું. સદનસીબે, ઘટના સ્થળની નજીકમાં જ એક પ્લાયવુડ બનાવતી કંપની આવેલી હતી. ટેન્કરમાં લાગેલી આગને જોઈ કંપનીના કર્મચારીઓ તુરંત મદદે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં જ પ્લાયવુડ કંપનીના પાણીના સપ્લાયનો ઉપયોગ કરીને ટેન્કરની કેબિન પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. સ્થાનિકો અને કંપનીના સ્ટાફની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
જાનહાની ટળી, ટ્રાફિક જામના દ્રશ્યો
આ ઘટનામાં સૌથી રાહતની વાત એ રહી કે ટેન્કરના ચાલક અને ક્લીનર સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, જેથી કોઈ જાનહાની નોંધાઈ નથી. જોકે, હાઇવે પર આગની ઘટનાને પગલે થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. હાલમાં હાઇવે પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી છે. ડીઝલ જેવા જ્વલનશીલ પદાર્થ ભરેલા ટેન્કરમાં લાગેલી આગ પર સમયસર કાબૂ મેળવી લેવાતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો - Surat News : સુરતમાં વૃદ્ધોને ટાર્ગેટ કરી ચેન ચોરતી મહિલા ટોળકી ક્રાઈમબ્રાન્ચે ઝડપી પાડી