સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સુરાલી ગામે ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારી સામે આવી છે. ગામમાં ગૌચરની જગ્યામાં ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવેલા કચરાના ઢગલામાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આસપાસમાં જ સરકારી સંસ્થાઓ આવેલી હોવાથી મોટી જાનહાનિ થવાની શક્યતા હતી, પરંતુ સમયસૂચકતાને કારણે અનિચ્છનીય બનાવ ટળ્યો હતો.


આંગણવાડીના બાળકોનો આબાદ બચાવ

આગ લાગી તે કચરાના ઢગલાની બિલકુલ નજીક જ પંચાયત ઘર અને આંગણવાડી આવેલી છે. આગની જ્વાળાઓ પ્રસરે તે પહેલા આંગણવાડીના કર્મચારીઓએ સમયસૂચકતા વાપરી તમામ બાળકોને તાત્કાલિક ઘરે મોકલી દીધા હતા. નોંધનીય છે કે, આ વિસ્તારમાં જ સરકારી શાળા, દૂધ ડેરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ આવેલા છે, જેના કારણે આગ વધુ વિકરાળ બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

ગ્રામ પંચાયત સામે ગ્રામજનોનો રોષ

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગૌચરની જગ્યામાં કચરો ન ઠાલવવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, છતાં ગ્રામ પંચાયત દ્વારા કચરો નિકાલ માટે કોઈ યોગ્ય જગ્યા નક્કી કરવામાં આવી નથી. આખરે સ્થાનિક લોકોએ જાતે જ ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તો તેની જવાબદારી કોની રહેત?


આ પણ વાંચો - Surat News: તડકેશ્વર ટાંકી દુર્ઘટના મામલે બારડોલી સેશન્સ કોર્ટે 8 આરોપીઓની જામીન અરજી ફગાવી


  • Follow us on: