સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામે પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને મોટો ઝટકો લાગ્યો છે. આ કેસમાં ધરપકડ કરાયેલા મેસર્સ જયંતિ સુપર કન્સ્ટ્રકશન (મહેસાણા), બાબુભાઈ પટેલ અને પી.એમ.સી. એજન્સી સહિતના કુલ 8 આરોપીઓએ બારડોલી સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી, જે નામંજૂર કરવામાં આવી છે.
તપાસમાં બહાર આવેલી ગંભીર બેદરકારી
પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા એફિડેવિટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ટાંકીના નિર્માણ પૂર્વે જરૂરી સોઇલ રિપોર્ટ (જમીન પરીક્ષણ) કરવામાં આવ્યો ન હતો. અન્ય ટાંકીઓના ફોટાને તડકેશ્વરની ટાંકીના ગણાવીને ખોટી રીતે નાણાં પાસ કરાવવામાં આવ્યા હતા. ટાંકીના નકશા બોગસ બનાવવામાં આવ્યા હતા અને અનેક ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરવામાં આવ્યા હતા.













