સ્માર્ટ સિટી સુરતમાં રસ્તાઓ પર ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે, પરંતુ આ વખતે આશ્ચર્યજનક રીતે સુરત મહાનગરપાલિકા (SMC) ની મુખ્ય કચેરીની બહાર જ મસમોટો ભૂવો પડ્યો છે. મુગલીસરા સ્થિત સુરત મનપા કચેરીમાં ફાયર ઓફિસરની ચેમ્બરની બિલકુલ બહાર રસ્તો બેસી જતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.


ફાયર ઓફિસરની ચેમ્બર બહાર ભયાનક દ્રશ્યો

ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત મનપાની મુખ્ય કચેરીની બહાર અચાનક રસ્તો બેસી ગયો હતો અને અંદાજે 4 થી 5 ફૂટ ઊંડો ભુવો પડી ગયો હતો. આ ભૂવો જે જગ્યાએ પડ્યો છે, ત્યાં જ ફાયર ઓફિસરની ચેમ્બર આવેલી છે. કચેરીના પ્રવેશદ્વાર પાસે જ આટલો મોટો ખાડો પડતા અધિકારીઓ અને મુલાકાતીઓમાં દોડધામ મચી ગઈ હતી. તંત્રએ તાત્કાલિક અસરથી ભૂવાની આસપાસ બેરીકેટ લગાવીને વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

મેટ્રોની કામગીરી અને ટ્રાફિકની સમસ્યા

મુગલીસરા અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રો રેલવેની કામગીરી ચાલી રહી છે. સ્થાનિકોના મતે મેટ્રોના ખોદકામ અને ભૂગર્ભ કામગીરીને કારણે આ વિસ્તારમાં અવારનવાર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવે છે. આજે પડેલા આ ભૂવાના કારણે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ભૂવાનું સમારકામ કરવાની તજવીજ હાથ ધરાઈ

સુરત મનપાની કચેરીની બહાર જ ભૂવો પડતા વિપક્ષ અને સામાન્ય જનતામાં ચર્ચા જાગી છે કે, જો મુખ્ય કચેરી પાસે આવી સ્થિતિ હોય, તો સુરત શહેરના અન્ય વિસ્તારોમાં રોડ-રસ્તાની ગુણવત્તા કેવી હશે? હાલમાં ઈજનેર વિભાગ દ્વારા ભૂવાનું સમારકામ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો - Surat News: શું ટોયલેટ ક્લિનરથી બને છે ઘી? નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ, મળી આ વસ્તુઓ



  • Follow us on: