સુરતમાં ડિજિટલ છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સાયબર ગઠિયાઓએ એક વૃદ્ધનો મોબાઈલ હેક કરી લાખો રૂપિયાની ઉચાપત કરી હતી. સુરત સાયબર ક્રાઈમ સેલ પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી મુખ્ય આરોપી વિષ્ણુ ઉર્ફે બાબુ રામવિલાશસિંગ સૂર્યવંશીને મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતેથી ઝડપી પાડ્યો છે.
આરોપીએ સીનિયર સિટીઝનનો મોબાઈલ કર્યો હેક
આરોપીએ પોતાના અન્ય સાગરીતો સાથે મળી છેલ્લા બે-ત્રણ મહિનાથી ફરિયાદી સીનિયર સિટીઝનનો મોબાઈલ હેક કર્યો હતો. મોબાઈલનું એક્સેસ મેળવ્યા બાદ આરોપીઓએ ફરિયાદીના ફ્લિપકાર્ટ એકાઉન્ટમાં લોગઈન કરી રૂ.1.35 લાખનો iPhone ખરીદ્યો હતો, જેની ડિલિવરી તેમણે છેક કોલકાતા ખાતે મેળવી હતી. આટલું જ નહીં, ગઠિયાઓએ ફરિયાદીના ડેબિટ અને ક્રેડિટ કાર્ડની વિગતોનો ઉપયોગ કરી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.6 લાખથી વધુની રકમ સાફ કરી દીધી હતી.













