સુરતના પાંડેસરા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક બે વર્ષનું માસૂમ બાળક અચાનક બિલ્ડિંગના ત્રીજા માળેથી નીચે પટકાયું હતું. આટલી ઊંચાઈએથી પડવા છતાં બાળકનો જીવ બચી જતા લોકો તેને 'કુદરતનો કરિશ્મા' માની રહ્યા છે. હાલ બાળક સારવાર હેઠળ છે.


રમત-રમતમાં બની દુર્ઘટના

ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઇમારતમાં આ માસૂમ બાળક રમી રહ્યું હતું. રમતા-રમતા અચાનક તેનું સંતુલન બગડતા તે ત્રીજા માળેથી સીધું નીચે પટકાયું હતું. બાળક નીચે પડતા જ આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.

સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

ઘટના બાદ બાળકને તાત્કાલિક ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. તબીબોના જણાવ્યા અનુસાર, બાળકની હાલત હાલમાં સ્થિર છે અને તે સુધારા પર છે. ઊંચાઈએથી પડવાને કારણે તેને કેટલીક ઇજાઓ પહોંચી છે, પરંતુ તે ભયમુક્ત હોવાનું જાણવા મળ્યું છે.

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

આ ઘટનાએ ફરી એકવાર બહુમાળી ઇમારતોમાં રહેતા પરિવારો માટે લાલબત્તી ધરી છે. નાનાં બાળકો જ્યારે ગેલેરી કે બારી પાસે રમતા હોય ત્યારે વાલીઓની થોડી પણ બેદરકારી મોટી હોનારત નોતરી શકે છે. સદનસીબે આ કિસ્સામાં બાળકનો બચાવ થયો છે, પરંતુ સમગ્ર વિસ્તારમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.


આ પણ વાંચો - Surat News: યુપીથી કિશોરીને ભગાડી લાવનાર શખ્સની ધરપકડ


  • Follow us on: