દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા 45 વર્ષીય ઇજનેર દીપકભાઈ વાઘેલાનું ઉધના વિસ્તારમાં એક નવનિર્મિત બિલ્ડિંગમાં નિરીક્ષણ દરમિયાન પહેલા માળેથી પટકાતા કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મનપાના કર્મચારીઓ અને ઈજનેરના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


ઘટનાની વિગત

ઘટનાની મળતી માહિતી અનુસાર, ઉધના-બમરોલી રોડ પર આવેલા ભીડભંજન વિસ્તારમાં 'લબ્ધિ ઇન્દ્રા' નામની નવી બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. સુરત મનપાના ઇજનેર દીપક વાઘેલા કામકાજ અર્થે આ બિલ્ડિંગની મુલાકાતે ગયા હતા. બિલ્ડિંગ હજુ નિર્માણ હેઠળ હોવાથી અંદરના ભાગે પૂરતી લાઈટની વ્યવસ્થા ન હતી. અંધારું હોવાને કારણે તેઓ લિફ્ટ માટે છોડવામાં આવેલા ખુલ્લા પેસેજને જોઈ શક્યા નહીં અને અચાનક સંતુલન ગુમાવતા પહેલા માળેથી સીધા નીચે પટકાયા હતા.

તંત્રની કાર્યવાહી

પહેલા માળેથી પટકાતા તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જોકે, 108ના મેડિકલ સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ કરતા દીપકભાઈને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની ગંભીરતાને જોતા ઉધના પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દીપકભાઈ વાઘેલાના આકસ્મિક નિધનથી તેમના પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો છે. ફરજ દરમિયાન બનેલી આ ઘટનાએ બાંધકામ હેઠળની ઈમારતોમાં સુરક્ષાના સાધનો અને સાવચેતી સામે પણ પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે.


આ પણ વાંચો -  Surat: યાર્ન વેપારીને ચૂનો લગાવનાર ઠગ જોડીની ધરપકડ, સારોલી પોલીસની પ્રશંસનીય કામગીરી


  • Follow us on: