સુરત શહેરના રાંદેર વિસ્તારમાં કેટલાક સમયથી બ્રાન્ડેડ કંપનીના લોગો લગાવીને સસ્તામાં નકલી વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી પોલીસને મળી હતી. રાંદેર પોલીસે આ મામલે સતર્કતા દાખવી ચોક્કસ લોકેશન પર રેડ કરી હતી. આ તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી નામી કંપનીઓના માર્કા ધરાવતા પગરખાં, મોંઘીદાટ દેખાતી કાંડા ઘડિયાળો, સ્ટાઈલિશ ટી-શર્ટ અને ગોગલ્સનો મોટો સ્ટોક મળી આવ્યો હતો. આ તમામ વસ્તુઓ હકીકતમાં ડુપ્લિકેટ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
બે શખ્સોની ધરપકડ, મુદ્દામાલ જપ્ત
સુરત પોલીસે આ ગેરકાયદેસર વેચાણના નેટવર્ક સાથે જોડાયેલા બે ઈસમોની અટકાયત કરી છે. તેમની પાસેથી લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ આ ડુપ્લિકેટ માલ ક્યાંથી લાવતા હતા અને સુરતમાં અન્ય કોને કોને સપ્લાય કરતા હતા, તે દિશામાં હવે રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.













