ગુજરાતમાં આગામી 31મી ડિસેમ્બરને લઈને પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે. મોટા શહેરો સહિતના વિસ્તારોમાં પોલીસ બ્રેથ એનલાઈઝર સાથે ચેકિંગ કરી રહી છે. દારુ અને ડ્રગ્સની પાર્ટીઓ રોકવા માટે પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. ત્યાં જ સુરત પોલીસના એક્શન પ્લાન પર એક નાનકડા દારૂના અડ્ડાએ પાણી ફેરવી નાંખ્યું છે. સુરત શહેરમાં પતરાના શેડમાં દારૂનો બાર બનાવી લોકોને દારુ પીરસવામાં આવતો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે.


વીડિયો વાયરલ થતા જ પોલીસે તપાસ હાથ ધરી

સુરત શહેરમાં મહિધરપુરા વિસ્તારમાં પતરાંના શેડમાં દારૂનો અડ્ડો ચાલતો હતો. આ અડ્ડો જાણે દારૂનો એક બાર હોય તે પ્રકારનો હતો. અહીં પાણી, સોડા અને બાઈટિંગ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી. પતરાના શેડમાં ચારેતરફ પડદા બાંધીને બાર બનાવવામાં આવ્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતા જ પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરત પોલીસની નિષ્ક્રિયતા છતી થઈ

સુરતમા દારુ અને ડ્રગ્સની પાર્ટીઓ રોકવા માટે પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ફાર્મ હાઉસ સહિતના સ્થળોએ ડ્રોન સર્વેલન્સ દ્વારા નશેડીઓને પકડવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રસ્તા પર વાહન ચાલકોને રોકીને બ્રેથ અનલાઈઝર દ્વારા તેમની તપાસ કરવામા આવી રહી છે. ત્યારે સુરતનો જ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોએ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે. જે પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે તે પોલીસને આ બારની ખબર ના હોય તેવું કેવી રીતે બની શકે તેવી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.


આ પણ વાંચોઃ Surat સિવિલની શરમજનક તસવીર, સ્ટ્રેચર ન મળતા પુત્ર પિતાને ખભે ઉંચકીને દોડવા મજબૂર


  • Follow us on: