સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વેલુક ગામે એક વૃદ્ધની કરપીણ હત્યાનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. ગામના ચોરા પાસે નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મનહર પટેલ નામના વૃદ્ધ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
પીવીસી પાઈપ વડે હુમલો
મળતી માહિતી મુજબ, મનહર પટેલ જ્યારે ગામના ચોરા પાસે હાજર હતા, ત્યારે કોઈ અગમ્ય કારણોસર થયેલી તકરારમાં શખ્સોએ ઉશ્કેરાઈને પીવીસી પાઈપ વડે તેમના પર હુમલો કર્યો હતો. પાઈપના આડેધડ ફટકા વાગવાથી મનહર પટેલને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.













