આર્થિક ગુનાખોરીના હબ બની રહેલા સુરત શહેરમાંથી વધુ એક મસમોટું છેતરપિંડીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી સ્વામિનારાયણ સંપ્રદાયના 14 જેટલા હરિભક્તો પાસેથી રૂ. 2.05 કરોડનું ફૂલેકું ફેરવી ઠગ ટોળકી ફરાર થઈ ગઈ હતી. જોકે, સુરત પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરી ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મોડસ ઓપરેન્ડી
આરોપીઓ અશોક સોલંકી, જય સોલંકી અને જ્યોતિ સોલંકીએ રોકાણકારોને આકર્ષવા માટે માસિક 4 થી 5 ટકા જેટલા માતબર નફાની લાલચ આપી હતી. વિશ્વાસ કેળવવા માટે શરૂઆતના તબક્કે રોકાણકારોને થોડું વળતર પણ ચૂકવવામાં આવ્યું હતું. જ્યારે હરિભક્તોએ મોટી રકમનું રોકાણ કર્યું, ત્યારે આ ટોળકી ઓફિસને તાળા મારીને રાતોરાત છૂ થઈ ગઈ હતી. કુલ 14 શ્રદ્ધાળુઓએ પોતાની મહેનતની કમાણી આ સ્કીમમાં ગુમાવી છે.












