સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા તાતીથૈયા ગામેથી ગત ૧૬ ડિસેમ્બરના રોજ થયેલા 1 વર્ષની માસૂમ બાળકીના અપહરણના કેસમાં કડોદરા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે છેક બિહાર પહોંચી ને બાળકીને અપહરણકર્તાઓના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી.


​ પરિવારની માત્ર એક વર્ષની બાળકી અચાનક ગુમ

 ​ગત ૧૬ ડિસેમ્બરના રોજ સુરત જિલ્લા ના તાતીથૈયા ગામની 'ઓમ સાઈ' બિલ્ડિંગમાં રહેતા એક પરિવારની માત્ર એક વર્ષની બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવાર દ્વારા શોધખોળ કરવા છતાં બાળકી ન મળી આવતા અંતે કડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી

બાળકીના અપહરણની ગંભીરતાને જોતા પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.પોલીસે બિલ્ડિંગ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

 પાડોશમાં જ રહેતું એક દંપતી બાળકીને લઈને જતું સ્પષ્ટ દેખાયું

સીસીટીવી ફૂટેજ માં પાડોશમાં જ રહેતું એક દંપતી બાળકીને લઈને જતું સ્પષ્ટ દેખાયું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ દંપતી બાળકીને લઈને વતન બિહાર ભાગી ગયું છે.

આરોપી કુંદનપુરી રામદેશપુરી રાય અને તેની પત્ની મોનીદેવીની ધરપકડ

સીસીટીવી અને બાતમીદારોની મદદથી કડોદરા પોલીસની એક ટીમ તાત્કાલિક બિહાર રવાના થઈ હતી. ત્યાં સ્થાનિક પોલીસની મદદ લઈને પોલીસે દરોડો પાડી આરોપી કુંદનપુરી રામદેશપુરી રાય અને તેની પત્ની મોનીદેવીની ધરપકડ કરી હતી. તેમની પાસેથી અપહૃત બાળકીને સુરક્ષિત રીતે મુક્ત કરાવવામાં આવી હતી.

સંતાન પ્રાપ્તિની તીવ્ર ઈચ્છાને કારણે પાડોશમાં રહેતી આ માસૂમ બાળકીને ઉઠાવી

 પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી દંપતીએ કબૂલાત કરી હતી. લગ્નના લાંબા સમય બાદ પણ તેમને કોઈ સંતાન નહોતું. સંતાન પ્રાપ્તિની તીવ્ર ઈચ્છાને કારણે તેમણે પાડોશમાં રહેતી આ માસૂમ બાળકીને ઉઠાવી લેવાનું કાવતરું ઘડ્યું હતું અને તેને પોતાની સાથે બિહાર લઈ ગયા હતા. જ્યારે બાળકીની માતા ને વધુ એક વાર ગર્ભવતી બનતા અન્ય સંતાન આવનાર હોવાનું સમજી કુંદનપુરી એ પત્ની સાથે બાળકી નું અપહરણ કર્યું હતું. કડોદરા પોલીસની આ કામગીરીને પગલે માસૂમ બાળકી ફરી પોતાના માતા-પિતા પાસે પહોંચતા પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.


આ પણ વાંચો----    Gujarat Flashback 2025 : આ વર્ષે ગુજરાત રહ્યું હતું અગ્રેસર, સ્વચ્છતામાં અમદાવાદને મળ્યો હતો સૌથી સ્વચ્છ મોટા શહેરનો એવોર્ડ તો સુરત અને ગાંધીનગર પણ

  • Follow us on: