સુરતમાં સાત વર્ષની બાળકીની દીક્ષાને લઈને ચાલી રહેલા વિવાદમાં માતાના વકીલ કેતન રેશમવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. વકીલના જણાવ્યા અનુસાર, નામદાર કોર્ટ દ્વારા દીક્ષાની પ્રક્રિયા પર કોઈ કાયદાકીય રોક લગાવવામાં આવી નથી. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, બાળકીના પિતાએ માત્ર પબ્લિસિટી મેળવવાના ઈરાદે અને માતાની છબી ખરડવા માટે કોર્ટમાં અરજી કરી છે. વકીલે સ્પષ્ટતા કરી હતી કે માતાએ પોતે જ એફિડેવિટ (સોગંદનામું) રજૂ કર્યું છે, જેમાં દીકરીની ભક્તિ અને સંસ્કારનો ઉલ્લેખ છે, પરંતુ તેને બળજબરીથી દીક્ષા અપાવવાની કોઈ વાત નથી.
દીક્ષા કેસમાં એફિડેવિટની એન્ટ્રી
કેસમાં સૌથી મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે વકીલે જણાવ્યું કે હવે બંને પક્ષો વચ્ચે એક આંતરિક સંમતિ સધાઈ છે. આ સમજૂતી મુજબ, બાળકી જ્યાં સુધી પુખ્ત વયની (એટલે કે 18 વર્ષની) નહીં થાય ત્યાં સુધી તેને દીક્ષા આપવામાં આવશે નહીં. પિતાએ પણ આ વાત પર પોતાની સંમતિ દર્શાવી છે કે દીકરી સમજણી થયા બાદ જ પોતાની આધ્યાત્મિક મરજી મુજબ નિર્ણય લેશે. આ જાહેરાત બાદ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ઉગ્ર સામાજિક અને કાયદાકીય વિવાદ પર હાલ પૂરતું પૂર્ણવિરામ મુકાયું હોય તેવું જણાય છે.













