સુરતના કતારગામ અને અમરોલીને જોડતા મહત્વકાંક્ષી બ્રિજની કામગીરી છેલ્લા દોઢ વર્ષથી મંથરગતિએ ચાલી રહી છે, જેના કારણે લાખો વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અગાઉ સુરતના મેયર દક્ષેશ માવાણીએ આ પ્રોજેક્ટની સમીક્ષા કરી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપી હતી કે આ બ્રિજ વહેલી તકે કાર્યરત કરવામાં આવે. અધિકારીઓએ તે સમયે ખાતરી આપી હતી કે 7 જાન્યુઆરી સુધીમાં કામ પૂર્ણ કરી દેવામાં આવશે અને ઉત્તરાયણ પછી બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકાશે. જોકે, ઉત્તરાયણનો તહેવાર પૂર્ણ થયાને દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી બ્રિજ શરૂ કરવા માટેનું 'મુહૂર્ત' આવ્યું હોય તેમ જણાતું નથી.


સુરત મનપાના વાયદા પોકળ

હાલની સ્થિતિએ બ્રિજનો એક તરફનો રેમ્પ લગભગ તૈયાર થઈ જવાના આરે છે, તેમ છતાં તંત્ર દ્વારા તેને ખુલ્લો મૂકવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. આ વિલંબને કારણે કતારગામ અને અમરોલી વિસ્તારમાં પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની ભયજનક સમસ્યા સર્જાય છે. કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહેતા વાહનચાલકો હવે પૂછી રહ્યા છે કે મેયરના વચનો અને સૂચનાઓનો અમલ ક્યારે થશે? સ્થાનિકોમાં એવો ગણગણાટ છે કે જો બ્રિજ તૈયાર છે તો તેને જનતા માટે ખુલ્લો મૂકવામાં કોની રાહ જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Vadodara મનપામાં ફાયર સૈનિકની ભરતી લટકી, 11 મહિનાથી લેખિત પરીક્ષાની રાહ જોતા ઉમેદવારો

  • Follow us on: