સુરતના ચોકબજાર વિસ્તારમાં માસૂમ બાળકોની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં માત્ર 5 વર્ષના એક માસૂમ બાળક પર 15 વર્ષના કિશોરે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરીને માનવતાને લાંછન લગાડ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને ચકચાર મચી ગઈ છે. પોલીસે પીડિત બાળકના પરિવારની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


પૈસાની લાલચ આપી નિર્જન સ્થળે લઈ જઈ આચર્યું દુષ્કર્મ

15 વર્ષીય આરોપી કિશોરે બાળકને પોતાની જાળમાં ફસાવવા માટે પૈસાની લાલચ આપી હતી. માસૂમ બાળક લાલચમાં આવી જતા આરોપી તેને એકાંતવાળી જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં તેણે બાળકની છેડતી કરી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જ્યારે બાળકે પ્રતિકાર કરવા માટે બૂમ પાડી ત્યારે પાપી આરોપીએ તેનું મોઢું દબાવી દીધું હતું અને હેવાનિયતની હદ વટાવી દીધી હતી.

પોલીસે ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા

આ શરમજનક કૃત્યને અંજામ આપ્યા બાદ આરોપી કિશોર ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ઘરે પરત ફરેલા બાળકે આ અંગે પરિવારને જાણ કરતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તેની અટકાયત કરવામાં આવશે તેમ જણાવાયું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: