સુરત જિલ્લામાં પોલીસને એક મોટી સફળતા મળી છે. અનેક ગુનાઓમાં વોન્ટેડ ચાલી રહેલા અને માંગરોળના લિંડિયાત ગામના સરપંચ વિરલ વસાવાને આખરે પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો છે. વિરલ વસાવાની ધરપકડ ઓલપાડ પોલીસ મથક અને સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનમાં કરવામાં આવી છે.


આરોપીની 15થી વધુ ગુનામાં સંડોવણી

સરપંચ વિરલ વસાવા ઓલપાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂબંધીના ગુનામાં ઘણા સમયથી વોન્ટેડ હતો. જોકે, તેનો ગુનાહિત ઇતિહાસ માત્ર એક ગુના પૂરતો સીમિત નથી. પોલીસ ચોપડે નોંધાયેલા રેકોર્ડ મુજબ, આરોપી વિરલ વસાવા વિરુદ્ધ અલગ-અલગ પોલીસ મથકોમાં 15થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.

વિરલ વસાવાની ધરપકડ કરવામાં આવી

વિરલ વસાવાના વિરૂદ્ધ ખાસ કરીને પ્રોહિબિશન (દારૂબંધી) એક્ટ હેઠળ કોસંબા, વાપી અને બારડોલી રૂરલ જેવા વિસ્તારોમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, આરોપી વિરલ વસાવા વિરુદ્ધ વર્ષ 2023માં પાસા (PASA)ની દરખાસ્ત પણ કરવામાં આવી હતી. દારૂના ગુના ઉપરાંત તેની સામે મારામારીનો ગુનો પણ નોંધાયેલો છે.

આજે ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા વિરલ વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને ઝડપી લીધા બાદ પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેના અન્ય ગુનાહિત કનેક્શન્સની તપાસ શરૂ કરી છે. એક જાગૃત પદ પર બેઠેલા સરપંચનો આ પ્રકારનો ગુનાહિત રેકોર્ડ સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે.


આ પણ વાંચો - Bondi Beach Shooting: PM મોદીએ વ્યક્ત કર્યો શોક, ઈઝરાયલના રાષ્ટ્રપતિએ ઘટના વિશે શું કહ્યું?



  • Follow us on: