સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલા સીતાનગર બ્રિજ પાસે આજે સાંજે એક ચાલુ કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, કાર ચાલક બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક એન્જિનના ભાગમાંથી ધુમાડો નીકળવાનો શરૂ થયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને ગણતરીની મિનિટોમાં આખી કારને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.
બ્રિજ નજીક જાહેર માર્ગ પર કાર ધૂ-ધૂ કરીને સળગી ઉઠતાં આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. રાહદારીઓ અને વાહનચાલકોએ સલામતી માટે દૂર ખસી જવું પડ્યું હતું. આગના કારણે બ્રિજ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર ફાઇટર્સે પાણીનો સતત મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને લોખંડના ઢગલામાં ફેરવાઈ ગઈ હતી.













