સુરતની પોલીસ ફરી એકવાર વિવાદના વમળમાં સપડાઈ છે. સામાન્ય રીતે પ્રજાને કાયદાનું પાલન કરાવતી અને જાહેરમાં બર્થડે ઉજવવા પર પ્રતિબંધનું કડક અમલીકરણ કરાવતી પોલીસના જ એક કર્મચારીએ નિયમોના લીરેલીરા ઉડાવ્યા છે. સુરતમાં એક પોલીસ કોન્સ્ટેબલે જાહેરમાં પોતાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી, જેના કારણે પોલીસ બેડામાં અને સામાન્ય જનતામાં ભારે ચર્ચા જાગી છે.
મોટા પાયે તાયફા કરવામાં આવ્યા
મળતી માહિતી મુજબ, હરપાલસિંહ નામના પોલીસ જવાનનો જન્મદિવસ હોવાથી તેમણે જાહેરમાં મિત્રો અને સમર્થકો સાથે મળીને જશ્ન મનાવ્યો હતો. નવાઈની વાત એ છે કે, ઉજવણી સાદગીપૂર્ણ ન હતી, પરંતુ મોટા પાયે તાયફા કરવામાં આવ્યા હતા. કોન્સ્ટેબલે જાહેરમાં એક સાથે 15 કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી.
આફ્ટર અને બીફોરની પોસ્ટ આવશે?
ઉલ્લેખનીય છે કે, સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં રોડ પર કેક કાપવા, સ્પ્રે ઉડાવવા કે ન્યુસન્સ ફેલાવવા પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સામાન્ય નાગરિકો જો આવું કૃત્ય કરે તો તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી અટકાયત કરવામાં આવે છે. આ સાથે તેમની રીલ સુરત પોલીસ દ્વારા આફ્ટર અને બીફોર દર્શાવામાં આવે છે. તો હવે સવાલ એ છે કે, શું આ પોલીસ કોન્સ્ટેબલની પણ આવી જ રીલ સુરત પોલીસ શેર કરશે કે કેમ?
ખુદ પોલીસ જવાન કાયદો તોડી રહ્યો છે
આ ઘટના સામે આવ્યા બાદ લોકમુખે અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે શું કાયદો ફક્ત સામાન્ય પ્રજા માટે જ છે? જ્યારે કોઈ સામાન્ય યુવક જાહેરમાં કેક કાપે છે ત્યારે પોલીસ તેનો 'બીફોર અને આફ્ટર' (Before-After) ફોટો પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે અને કડક કાર્યવાહીનું ઉદાહરણ પૂરું પાડે છે. હવે જ્યારે ખુદ પોલીસ જવાન કાયદો તોડી રહ્યો છે, ત્યારે શું ઉચ્ચ અધિકારીઓ તેની પણ તેવી જ હાલત કરશે? શું હરપાલસિંહનો પણ 'આફ્ટર' લૂક જોવા મળશે કે પછી "પોલીસને કાયદો નડતો નથી" તે કહેવત સાચી પડશે?
આ પણ વાંચો - Kheda News: કપડવંજમાં BLOની કામગીરી કરતા શિક્ષકનું મોત, તણાવના કારણે આવ્યો હાર્ટ એટેક