સુરતમાં આજે પ્રજાસત્તાક પર્વ પર યુવાધનને નશાની ટેવમાંથી બહાર લાવવા માટે Say No to Drugsની થીમ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 12 વર્ષથી સુરતમાં 26મી જાન્યુઆરીના દિવસે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આજે આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ડ્રગ્સ વેચનાર અને તેનું દૂષણ ફેલાવનાર લોકોના શું હાલ થાય છે તે હવે તમને ખબર પડશે.
નશાના રવાડે ચઢેલા લોકોને સુરત પોલીસ સુધારે છે
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, ડ્રગ્સના દૂષણમાં ફસાયેલા લોકોનું કાઉન્સેલિંગ કરો. તમે દર મહિને એક કોલેજ કે એક યુનિવર્સિટીમાં જાઓ. સુરત પોલીસ નશાના રવાડે ચઢેલાને બચાવે છે. સુરતીઓ મોટા દિલ વાળા લોકો છે. આપણી અંદરની શક્તિનો ઉપયોગ કરો. આપણે માત્ર 26 મી જાન્યુઆરીએ આ કાર્યક્રમ પૂર્ણ કરીને આપણે જવાબદારીમાંથી હાથ ઊંચા નથી કરવાના. તમે અનેક યુવાનોને બચાવ્યા છે અને તમારી શક્તિ ખૂબ મોટી છે. હું સુરત પોલીસને અભિનંદન આપું છું. નશાના રવાડે ચઢેલા લોકોને સુરત પોલીસ સુધારે છે અને તેમની સામે કેસ કરવામાં નથી આવતો.













