સુરતના રાંદેર વિસ્તારમાં ખાખીને લાંછન લગાડતી એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક હોમગાર્ડ જવાને ફરજ દરમિયાન મેળવેલી માહિતીનો દુરુપયોગ કરી એક પરિણીતાને પોતાની જાળમાં ફસાવી હતી. હોમગાર્ડે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને બ્લેકમેલ કરી લાખોના દાગીના અને મોંઘીદાટ બાઈક પડાવી લેતા ચકચાર મચી ગઈ છે.
'મિસિંગ'ની અરજીમાંથી પરિણીતાનો મોબાઈલ નંબર મેળવ્યો
મળતી માહિતી મુજબ, આરોપી પ્રકાશ છબલાણી સુરત હોમગાર્ડમાં ફરજ બજાવે છે. આ નરાધમે પોલીસ સ્ટેશનમાં આવેલી એક 'મિસિંગ'ની અરજીમાંથી પરિણીતાનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. ત્યારબાદ તેણે પોતાની ઓળખ એક પોલીસ અધિકારી તરીકે આપી મહિલાને ડરાવી-ધમકાવી તેની સાથે મિત્રતા કેળવી હતી. ડર અને મજબૂરીનો લાભ ઉઠાવી હોમગાર્ડ પ્રકાશ તેને સુરતની એક હોટલમાં લઈ ગયો હતો.













