સુરતના કામરેજ તાલુકાના ધોરણપારડી ગામે આવેલો સત્યમ આશ્રમ હાલ ગંભીર વિવાદોના વમળમાં ફસાયો છે. આશ્રમના ભોંયરામાં નકલી નોટો છાપવાનું મોટું રેકેટ ચાલતું હોવાની આશંકા સાથે પોલીસ તપાસ તેજ બની છે. આ નકલી નોટ કાંડનો પર્દાફાશ થતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આશ્રમની આ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિઓને કારણે આસપાસના રહીશોમાં ભારે ફફડાટ અને આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના લીધે આશ્રમની આડમાં ચાલતા કાળા કારોબાર સામે અનેક સવાલો ઉભા થયા છે.
નકલી નોટ કાંડમાં આશ્રમની સંડોવણી
આ મામલે ગામના સરપંચની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમાં તેમણે આશ્રમમાં અનૈતિક કામો થતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. સરપંચના જણાવ્યા અનુસાર, આશ્રમમાં રાત્રિના બે-ત્રણ વાગ્યા સુધી યુવતીઓની શંકાસ્પદ અવરજવર જોવા મળતી હતી, જે જનરલ આશ્રમની મર્યાદાની વિરુદ્ધ છે. ગ્રામ પંચાયત દ્વારા અગાઉ આ સંદર્ભે આશ્રમ સંચાલકોને અનેકવાર નોટિસો ફટકારવામાં આવી હતી, પરંતુ આશ્રમ તરફથી આજ દિન સુધી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી, જે તેમની સંડોવણી તરફ ઈશારો કરે છે.













