ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે બાળકો અત્યારથી જ પતંગ ચગવતા જોવા મળી રહ્યા છે. આવામાં પતંગની દોરીથી અકસ્માત સર્જાવાના ઘણા કિસ્સા પણ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જ્યાં સુરત જિલ્લાના ડિંડોલીમાં એક કિશોર બાઈક પર સવાર થઈને મુસાફરી કરી રહ્યો હતો. આ દરમિયાન પતંગની દોરી વચ્ચે આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જે કારણે તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
13 વર્ષીય કિશોરને પતંગની દોરી વાગતા ઘાયલ થયો
ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના ડિંડોલીમાં પતંગની દોરીના કારણે બાઇક પર જતા કિશોર ઈજાગ્રસ્ત થયો હતો. 13 વર્ષીય કિશોરને પતંગની દોરી વાગતા ઘાયલ થયો હતો, જે કારણે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કિશોરને ગંભીર ઇજા થતા 10 ટાંકા લેવાની ફરજ પડી હતી. આ કિશોર બાઈક પર પિતા સાથે નાસ્તો લેવા જઈ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણના તહેવાર પર પતંગની દોરીથી બચવા માટે બાઈક પર સેફ્ટી ગાર્ડ લગાવવું જરૂરી છે, જે તમને અનિચ્છનીય બનાવથી બચાવશે.













