ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા “NO DRUGS IN GUJARAT” અને નશામુક્ત ગુજરાત અભિયાનને સાર્થક કરવા માટે સુરત ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે. આ અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશનની ટીમે પલસાણા વિસ્તારમાં નશાના સાધનોનું વેચાણ કરતા તત્વો પર ત્રાટકીને કુલ 8 ઇસમોને ઝડપી લીધા છે.
નશાના સાધનોનો જથ્થો જપ્ત
પોલીસને મળેલી બાતમીના આધારે પલસાણા વિસ્તારમાં વિવિધ સ્થળોએ રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે નશા માટે વપરાતા ગોગો સ્મોકીંગ કોન તથા રોલીંગ પેપરનો મોટો જથ્થો ઝડપી લીધો છે. આ વસ્તુઓનો ઉપયોગ ખાસ કરીને નશાકારક પદાર્થોના સેવન માટે કરવામાં આવતો હોય છે, જેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવી રહ્યું હતું.
ધરપકડ કરાયેલા આરોપીઓની યાદી
પોલીસે આ સમગ્ર રેકેટમાં સંડોવાયેલા 8 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ગોપાલ સોહનલાલ કલાલ, સુજીત રામબ્રીચ દાસ, મોનુ કૌશલ પાંડે, અશોકકુમાર અંજનીપ્રસાદ શુક્લા, હરીશભાઈ રમેશભાઈ ચંદ્ર, ઈન્દ્રનીલ ઉદયરામ પંચાલ, સોનુ સમયલાલ શાહુ અને રાજાબાબુ કાલીપ્રસાદ નિશાદનો સમાવેશ થાય છે.
પોલીસની કડક કાર્યવાહી
યુવાધનને નશાના રવાડે ચઢાવતા આવા વેચાણકર્તાઓ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પલસાણા પોલીસે ગુનો નોંધી આ આરોપીઓ આ જથ્થો ક્યાંથી લાવતા હતા અને તેમના અન્ય સંપર્કો કોની સાથે છે તે દિશામાં સઘન પૂછપરછ શરૂ કરી છે. આ કાર્યવાહીથી નશાનો વેપાર કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો