સુરતના ઉધના વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની છે, જ્યાં BRTS બસમાં પર્સ ચોરી કરતા પકડાયેલા એક યુવકે મુસાફરોના મારથી બચવા અને પોલીસ કાર્યવાહી ટાળવા માટે બ્લેડ વડે પોતાને જ ઘા માર્યા હતા. ઉધના બસ સ્ટેશન પર મુસાફરોએ પર્સ ચોરી કરતા એક યુવકને ઝડપી પાડ્યો હતો. લોકોએ પોલીસને બોલાવી તે પહેલાં જ યુવકે પોતાના ખિસ્સામાંથી બ્લેડ કાઢી હતી અને પોતાના કાંડા પર ઘા મારવાનું શરૂ કરી દીધું હતું.
ઉધના પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
આ દૃશ્ય જોઈને ઘટનાસ્થળે હાજર કેટલાક લોકો ગભરાઈને દૂર ભાગી ગયા હતા. યુવકને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ 'સાયકો ચોર' ના ડ્રામાને પગલે ઉધના પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને યુવક સાજો થયા બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.













