સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અત્યારે ઠંડીનો પારો ગગડ્યો છે, પરંતુ આ ફૂલગુલાબી ઠંડી હવે વાહનચાલકો માટે આફત બનીને આવી છે. આજે વહેલી સવારથી સુરત જિલ્લામાં ધુમ્મસની એવી ગાઢ ચાદર પથરાઈ હતી કે રસ્તા પર 'ઝીરો વિઝિબિલિટી' જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ભારે ધુમ્મસના કારણે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 48 પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયાના સમાચાર પ્રાપ્ત થયા છે.
કોસંબા બ્રિજ પાસે અકસ્માત
મળતી માહિતી મુજબ, નેશનલ હાઈવે 48 પર આવેલા કોસંબા બ્રિજ નજીક ધુમ્મસ એટલું ગાઢ હતું કે વાહનચાલકોને નજીક આવતા વાહનો પણ દેખાતા નહોતા. વિઝિબલિટી નહિવત હોવાને કારણે વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી.
વાહનચાલકોની હાલત કફોડી
સવારના સમયે હાઈવે પરથી પસાર થતા મુસાફરો અને ટ્રક ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થિતિ એવી હતી કે વાહનચાલકોએ પોતાના વાહનોની હેડલાઈટ અને પાર્કિંગ લાઈટ ચાલુ રાખીને અત્યંત ધીમી ગતિએ આગળ વધવું પડ્યું હતું. ધુમ્મસના કારણે રોડ જજમેન્ટ લેવામાં મુશ્કેલી પડતા નાના-મોટા અનેક અકસ્માતોની ભીતિ સેવાઈ રહી હતી.
પોલીસની કામગીરી
ઘટનાની જાણ થતા જ જિલ્લા ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ક્રેન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડવાની અને ટ્રાફિકને હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસ દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે ધુમ્મસના દિવસોમાં હાઈવે પર વાહન ચલાવતી વખતે પૂરતું અંતર જાળવવું અને સ્પીડ પર કાબૂ રાખવો. ઠંડીની સાથે વધી રહેલા આ ધુમ્મસને કારણે આગામી દિવસોમાં પણ વહેલી સવારે હાઈવે પર મુસાફરી કરવી જોખમી બની શકે છે.
આ પણ વાંચોઃ Suratની હવામાં ઝેર, ઠંડી સાથે પ્રદૂષણનો બેવડો પ્રહાર, AQI 279 ને પાર!