સુરત મહાનગરપાલિકાના નામે અને સરકારી આવાસ યોજનાઓમાં વગર ડ્રો એ ફ્લેટ તેમજ દુકાનો અપાવવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી મયંક મિશ્રાને સુરત ઇકો સેલે દિલ્હીથી ઝડપી પાડ્યો છે. આરોપીએ પોતાની ઓળખ મનપાના ઉચ્ચ અધિકારી તરીકે આપી કુલ 49 જેટલા નિર્દોષ લોકો સાથે આશરે ₹60.21 લાખની છેતરપિંડી આચરી હતી.


ફ્લેટ અને દુકાનો અપાવવાના બહાને ઠગાઇ કરી

મયંક મિશ્રાએ લોકોને વિશ્વાસમાં લેવા માટે પોતે સુરત મનપામાં સરકારી નોકરી કરતો હોવાની ખોટી ઓળખ આપી હતી. તેણે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં ડ્રો વગર જ મકાન અપાવવાની ખાતરી આપી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. લોકોનો ભરોસો જીતવા માટે આરોપીએ SBI બેંકના બોગસ ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) અને સિક્યુરિટી ચેક પણ આપ્યા હતા, જે પાછળથી નકલી હોવાનું બહાર આવ્યું હતું.

કોર્ટે આરોપીની 5 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

આરોપી મયંક મિશ્રા વિરુદ્ધ અગાઉ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં બનાવટી આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા બોગસ દસ્તાવેજો બનાવવાના ગુના પણ નોંધાયેલા છે. ઇકો સેલે આરોપીને દિલ્હીથી પકડી પાડી સુરતની નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ અને મેળવેલી રકમ ક્યાં છુપાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: