દક્ષિણ ગુજરાતના મોટા ગણાતા સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઉધનામાં આવેલા એક પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા પાંચ કામદારો પૈકી બે કામદારોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


બ્લાસ્ટ સાથે લાગી હતી આગ

ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના કારખાના અને સ્ક્રેપના ગોડાઉનમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ગોડાઉનમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ત્યાં કામ કરી રહેલા પાંચ કામદારોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ તેઓ આગની લપેટમાં આવી ગયા હતા.

સારવાર દરમિયાન બેના મોત

આ ઘટનામાં પાંચેય કામદારો ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક અસરથી શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જિંદગી અને મરણ વચ્ચેની જંગ લડતા બે કામદારોએ અંતે દમ તોડ્યો હતો. જ્યારે અન્ય ત્રણ કામદારો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી અમુકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.




પોલીસ તપાસ શરૂ

બે કામદારોના મોત થતા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉધના પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ કે કેમિકલ રિએક્શનને કારણે બ્લાસ્ટ થયો હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે ગોડાઉનના માલિક અને સુરક્ષાના સાધનો અંગે પણ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો - Surat News: મેફેડ્રોન ડ્રગ્સ અને 16 મોબાઈલ સાથે 'કાલુ શેખ' ઝડપાયો


  • Follow us on: