સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી એક ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વરાછાની ખાંડ બજારમાં આવેલા 'રતિહ જ્વેલ્સ' (Ratih Jewels) નામના કારખાનામાં ઝેરી ગેસ ગળતર થવાના કારણે 4 મજૂરો ગંભીર રીતે બેભાન થઈ ગયા છે. આ દુર્ઘટનાને પગલે શ્રમિકોના પરિવારોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને ન્યાયની માંગ સાથે પરિવારો રસ્તા પર ઉતરી આવ્યા છે.



4 મજૂરો થયા બેભાન

ઘટનાની મળતી માહિતી અનુસાર, વરાછા ખાંડ બજાર સ્થિત રતિહ જ્વેલ્સમાં કામકાજ દરમિયાન અચાનક ગેસ ગળતરની ઘટના બની હતી. કારખાનાની અંદર ઝેરી ગેસ ફેલાઈ જતાં ત્યાં કામ કરી રહેલા 4 મજૂરો શ્વાસ ન લઈ શકવાના કારણે ગૂંગળામણ અનુભવીને ત્યાં જ બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સ્મિમેર (SMIMER) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


ન્યાય માટે સ્મિમેર હોસ્પિટલ બહાર પરિવારોના ઉગ્ર ધરણા

આ ઘટનાની જાણ થતાં જ અસરગ્રસ્ત મજૂરોના પરિવારજનો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં સ્મિમેર હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા. પરિવારોમાં કારખાનાના માલિકની બેદરકારીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ન્યાયની માંગ સાથે પીડિત પરિવારો સ્મિમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર જ ધરણા પર બેસી ગયા છે અને તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.


કારખાનાના માલિક સામે તાત્કાલિક FIRની માગ

ધરણા પર બેઠેલા પરિવારો અને સમાજના લોકોની માંગ છે કે આ ઘટના માટે જવાબદાર રતિહ જ્વેલ્સ કંપનીના માલિક વિરૂદ્ધ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે FIR (ગુનો) નોંધવામાં આવે. આ સાથે જ માલિકની સત્વરે ધરપકડ કરીને, અન્ય જે પણ જવાબદાર વ્યક્તિઓ હોય તેમની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. પરિવારોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ગુનો નોંધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ પોતાના ધરણા સમેટશે નહીં. હાલ હોસ્પિટલ પરિસરમાં તંગદિલીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો - Surat: ઇટીપી પ્લાન્ટની સફાઈ કરતાં ગેસ ગળતરના કારણે 4 વ્યક્તિઓ ગૂંગળાયા, સ્મીમેર હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા


  • Follow us on: